રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો અંજાર ખાતે પ્રારંભ
નવી કચેરી કાર્યરત થવાથી અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાની શાળાઓમાં વહીવટી સરળતા ઊભી થશે
અંજાર - કચ્છઉદય : અંજારની શેઠ ધરમસિંહ વલ્લભદાસ (ડી.વી.) હાઈસ્કૂલ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કચેરીનું ઉદ્દઘાટન ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં થયું હતું.
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પૂર્વ કચ્છની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને આ કચેરી શરૂ કરવામાં આવી છે. આ કચેરી કાર્યરત થવાથી અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વહીવટી સરળતા ઊભી થશે. આ કાર્યક્રમમાં પૂજનીય ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વર્ષ ૧૯૩૭માં શરૂ થયેલી આ સરકારી શાળામાં કરેલા પોતાના અભ્યાસનાં સંસ્મરણો વાગોળ્યા હતા અને નવી કચેરી શરૂ થવા બદલ શિક્ષણતંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે સચ્ચિદાનંદ મંદિર-અંજારના મહંત પૂજનીય ત્રિકમદાસજી મહારાજ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકાનું સ્વાગત કર્યું હતું. તેમણે પૂર્વ કચ્છ ખાતે કચેરીની મંજૂરી આપવા બદલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ ઉદ્દઘાટન કાર્યક્રમનું સંચાલન શાળાનાં શિક્ષિકા મનીષાબેન દવેએ કર્યું હતું. શાળાના આચાર્ય જયેશભાઈ પીઠડીયાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષકો પૃથ્વીરાજસિંહ ઝાલા, કંચનબેન કૂક્સાલ, મહેશદાન ગઢવી, અશ્વિનસિંહ વાઘેલા, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, વર્ગ-૨ આચાર્યો, વહીવટી સ્ટાફ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
--------

Comments