કચ્છમાં પ્રવાસી માર્ગદર્શકો તૈયાર કરવા ૧૪ દિવસીય તાલીમનો પ્રારંભ
કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે ૧૦૦ જેટલા તાલીમાર્થીઓ જોડાયા
ભુજ-કચ્છ ઉદય : કચ્છના ઐતિહાસિક વારસા, સાંસ્કૃતિક પરંપરા, કુદરતી સૌંદર્ય અને ભૂસ્તરીય વિશિષ્ટતાઓનો પ્રવાસીઓને પરિચય કરાવવા કચ્છ યુનિવર્સિટી અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે ૧૪ દિવસીય પ્રવાસી માર્ગદર્શક તાલીમ કાર્યક્રમ શરૂ થયો છે. તા. ૨૧ ઑક્ટોબરથી ૩ નવેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં કચ્છના વિવિધ તાલુકાઓમાંથી આશરે ૧૦૦ તાલીમાર્થીઓ જોડાયા છે.
ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અનિલ એચ. ગોર, કાર્યક્રમના સંયોજક ડૉ. ગૌરવ ડી. ચૌહાણ અને વિસ્તરણ કેન્દ્રોના સંયોજક ડૉ. રામ સોંદરવા ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમાં કાર્યરત લાઇસન્સધારક પ્રવાસી માર્ગદર્શકોએ પણ નવા તાલીમાર્થીઓને આવકાર્યા હતા. તાલીમમાં વિદ્યાર્થીઓ, નિવૃત્ત અધિકારીઓ અને પ્રવાસન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. તાલીમાર્થીઓ માટે રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા પણ કરાઈ છે.
૧૪ દિવસના કાર્યક્રમમાં ૧૧ દિવસ સૈદ્ધાંતિક અભ્યાસ, બે દિવસ સ્થળ આધારિત ક્ષેત્રકાર્ય અને અંતિમ દિવસે મૂલ્યાંકન યોજાશે. કચ્છનો ઇતિહાસ, પુરાતત્ત્વીય સ્થળો, ધાર્મિક પરંપરાઓ, દરિયાઈ વારસો, ભૂસ્તરીય રચનાઓ, રણપ્રદેશ, વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણ અંગે નિષ્ણાતો માર્ગદર્શન આપશે. માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, ૭૨ જિનાલય અને ધ્રંગ સહિતનાં ધાર્મિક સ્થળો ઉપરાંત અજ્રખ છાપકામ, રોગન કલા, બાંધણી, ભરતકામ, વણાટ અને અન્ય પરંપરાગત હસ્તકલાનો પરિચય પણ અપાશે.
પ્રવાસીઓ સાથે સંવાદ, વાર્તાકથન, નકશાનો ઉપયોગ, કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા પ્રવાસ આયોજન, ભાષાંતર, પ્રવાસન પ્રચાર અને વિવિધ ભાષાઓમાં માહિતી રજૂ કરવાની તાલીમ આપવામાં આવશે. સાથે જ કચ્છી ખાદ્યપરંપરા, માલધારી જીવનશૈલી, ગ્રામીણ પ્રવાસન, ખગોળપ્રવાસન અને સ્થાનિક રોજગારીની તકો અંગે સમજ અપાશે. પ્રવાસીઓની સલામતી, કાનૂની જાગૃતિ, પ્રાથમિક સારવાર અને કટોકટી વ્યવસ્થાપન પણ અભ્યાસક્રમમાં સામેલ છે.
ક્ષેત્રકાર્ય અંતર્ગત ૧ નવેમ્બરે કાળો ડુંગર-ધોળાવીરા અને ૨ નવેમ્બરે માતાનો મઢ-લખપત પ્રવાસન માર્ગની મુલાકાત લેવાશે. ૩ નવેમ્બરે લેખિત, પ્રાયોગિક અને મૌખિક પરીક્ષા યોજાશે. ઓછામાં ઓછી ૮૦ ટકા હાજરી અને નિર્ધારિત મૂલ્યાંકન પૂર્ણ કરનાર તાલીમાર્થીઓને યુનિવર્સિટી તથા ગુજરાત પ્રવાસન નિગમનું સંયુક્ત પ્રમાણપત્ર અપાશે. જોકે, સરકારી પ્રવાસી માર્ગદર્શકનું લાઇસન્સ મેળવવા માટે નિગમની મુલાકાત, મૂલ્યાંકન અને મંજૂરીની અલગ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. નિયમોને આધીન સફળ ઉમેદવારોને ત્રણ વર્ષ માટે માન્ય લાઇસન્સ મેળવવાની તક મળશે.
આ પહેલથી કચ્છના સ્થાનિક યુવાનો અને પ્રવાસન ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોને રોજગાર તથા સ્વરોજગારની નવી તકો મળવાની આશા છે. કચ્છના વારસા અને કુદરતી સંપત્તિની વિશેષતાઓને પ્રવાસીઓ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરવામાં આ તાલીમ ઉપયોગી બનશે.
------------

Comments