Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં માલગાડીની હડફેટે ૧૭થી વધુ ગાયોના મોત

21 October



શીરાચા અને નવીનાળ વચ્ચે બાળ બ્રહ્માણી ફાટક પાસે બની કરૂણ ઘટના : માલધારીઓ અને પશુ પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચ્યા : રેલવે ટ્રેક પર પશુઓની સુરક્ષાનો મુદ્દો ગરમાયો

મુંદરા - કચ્છઉદય : ઔદ્યોગીકરણ વચ્ચે અવારનવાર ચિંતાજનક બનાવો સામે આવતા હોય છે. કચ્છ માલધારીઓનો મુલક છે. પરંતુ અવારનવાર વાહન હડફેટે પશુઓના મોત થતા હોય છે. એક તરફ દુકાળ જેવી સ્થિતિ તેવામાં આજે અગિયારસના મુંદરામાં માલગાડીની હડફેટે આવી જવાથી ૧૭થી વધુ ગાયોના મોત થયા હતા. આ મામલે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. શિરાચા અને નવીનાળ વચ્ચે બાળ બ્રહ્માણી ફાટક પાસે અદાણીની રેલવે લાઈન પર અંદાજે રપ જેટલા ગૌવંશ પસાર થતા હતા ત્યારે માલગાડીએ ગાયોના ધણને હડફેટે લેતા ૧૭ જેટલી ગાયોના ગંભીર ઈજાઓના કારણે મોત થયા હતા. તેમાં દુજણી ગાયો તેમજ નાના વાછરડાનો પણ સમાવેશ થાય છે. અન્ય ગાયોને ઈજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવી હતી. બનાવની જાણ થતા માલધારીઓ, આસપાસના લોકો તેમજ પશુ પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલમાં જોવા જઈએ તો આ બનાવથી સમગ્ર મુંદરા પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. સાથે રેલ સુરક્ષા મુદ્દે પણ લોકોએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. દસ દિવસ સુધી મુંદરા વિસ્તારમાં માતાજીની આરાધના કરવામાં આવી અને આજે ગાયોના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. મુન્દ્રા સુવિધા પશુ રક્ષા કેન્દ્રના ૧૦૮ રતનભાઈ ગઢવીએ જણાવ્યું કે, તમામ ગાયો ઝરપરા ગામની છે અને ઘાયલ ગાયોને સુવિધા પશુ રક્ષા કેન્દ્ર ખાતે લાવવામાં આવી છે. હાલ તેઓની સારવાર ચાલી રહી છે. બીજી તરફ એકત્ર થયેલા લોકોએ જણાવ્યું કે, મુન્દ્રાથી ગાંધીધામ જતી અદાણી પોર્ટની આ રેલવે લાઈન પર દર મહિને બે મહિને આવી ઘટનાઓ બની રહી છે.  જો ધારે તો દૂરથી હોર્ન મારી શકે, બ્રેક મારી શકાય, હોર્ન વગાડી શકાય તેમ છતા આવી ઘટના બની છે. જેનાથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાસ્થળની તસવીરોએ સૌને હચમચાવી દીધા હતા. 



...................


રેલવે હાઈટેક હોવા છતાં ફાટક પર સુરક્ષા નહી

એકતરફ રેલવે હાઈટેક હોવાના દાવા કરે છે પરંતુ જોવા જઈએ તો મોટે ભાગે રેલવે ટ્રેકની બન્ને બાજુ ફેન્સિંગ સહિતની કોઈ સુવિધા જોવા મળતી નથી. તેમજ ફાટક પર કોઈ કર્મચારીઓ કે સુવિધા હોતી નથી. જો અહીં ટ્રેકની બન્ને બાજુ ફેન્સીંગ હોત તો આ બનાવને અટકાવી શકાયો હોત. આ રેલવે લાઈન પ્રાઈવેટ છે અહીં રોજ માલગાડીઓની અવરજવર થાય છે. એક બે એકલ દોકલ પશુઓના મોતની ઘટના રોજીંદી બની છે. આજે તો આખા ધણને કચડી નાખવામાં આવ્યું છે. જેમાં પ્રાઈવેટ રેલવે લાઈનના જવાબદારો સહિત પાયલોટની પણ જવાબદારી બને છે. ખરેખર આવી ઘટનાઓ અટકાવવા માટે અત્યાર સુધી કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી. આ ઘટનાએ ફરી પશુઓની સુરક્ષાનો મુદ્દો સપાટી પર લાવી આવી ઘટનાઓ બીજી વાર ન બને તે માટે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.


 

Comments

COMMENT / REPLY FROM