Trending News
રમત જગત

કચ્છની દીકરી નમ્રતા ભુડિયાની ભારતીય અંડર-૧૮ ગર્લ્સ રગ્બી ટીમમાં પસંદગી

01 September



ભુજ - કચ્છ ઉદય :  કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ માટે આ અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે કે આપણા કચ્છની લેવા કણબીની દીકરી કુ. નમ્રતા ભુડિયાની ભારતીય અંડર-૧૮ ગર્લ્સ રગ્બી ટીમમાં પસંદગી થઈ છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનારી એસિયા રગ્બી ઈમાર્યમેન્ટ-૧૮ સેવન ૨૦૨૬ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે.કચ્છની શાળાના ગ્રાસરૂટ સ્તરેથી રગ્બીની શરૂઆત કરી પોતાની મહેનત, શિસ્ત, પ્રતિભા, આત્મવિશ્વાસ અને અવિરત સમર્પણ દ્વારા નમ્રતાએ આજે ભારતીય ટીમ સુધીની ગૌરવપૂર્ણ સફર પૂર્ણ કરી છે. આ સિદ્ધિ માત્ર નમ્રતાની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમગ્ર કચ્છ અને કચ્છી લેવા પટેલ સમાજ માટે ગૌરવની બાબત છે.નમ્રતાના પિતા દિનેશભાઈ ભુડિયા, પરિવારજનો, કોચ વેદાંત ધનાણી, રગ્બી ગુજરાત એસોસિએશન તથા તેની સફળતાની સફરમાં સાથ આપનાર તમામ વ્યક્તિઓને પણ હાર્દિક અભિનંદન. નમ્રતા જેવી દીકરીઓની સફળતા આપણને શીખવે છે કે દીકરીઓને તક, પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ રમતગમત સહિત દરેક ક્ષેત્રમાં દેશ અને સમાજનું નામ રોશન કરી શકે છે.
કચ્છી લેવા પટેલ સમાજ, ભુજ તથા સમગ્ર લેવા પટેલ જ્ઞાતિ વતી નમ્રતા ભુડિયાને હૃદયપૂર્વક અભિનંદન અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ સમગ્ર સમાજ ગર્વની લાગણી વ્યક્ત કરે છે. આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે નમ્રતા તથા સમગ્ર ભારતીય અંડર-૧૮ રગ્બી ટીમને હાર્દિક શુભેચ્છાઓ. નમ્રતા ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરી વધુને વધુ સફળતા પ્રાપ્ત કરે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો તિરંગો ગૌરવથી લહેરાવે તેવી હાર્દિક શુભકામના પાઠવી હતી. નમ્રતાને પ્રમુખ કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ વેલજીભાઈ રામજી પીંડોરિયા,  પ્રમુખ કચ્છી લેવા પટેલ, એજ્યુકેશન ટ્રસ્ટના ગોપાલભાઈ માવજી ગોરસિયા શુભેચ્છા પાઠવી હતી. 
------

Comments

COMMENT / REPLY FROM