જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં અંડર-૧૪ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓ રાજ્ય કક્ષા માટે પસંદગી પામ્યા
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકાર દ્વારા ચેસની રમત પ્રત્યે વધુને વધુ જાગૃતિ આવે અને મહત્તમ વિદ્યાર્થીઓ આ રમત સાથે જોડાય તેવા ઉમદા હેતુથી કચ્છ જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૩ જુલાઈના માંડવી મધ્યે આવેલી એઈમ સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં જુદી જુદી કેટેગરીઓમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન આંતરરાષ્ટ્રીય નિયમો અનુસાર કરવામાં આવ્યું હતું, જેમાં અંડર-૧૪ કેટેગરીમાં આશરે ૧૦૦ જેટલા ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય અજમાવ્યું હતું.
આ રસાકસીભરી સ્પર્ધામાં અર્જીત મિશ્રાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જ્યારે ભુજની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતા ખેલાડી પ્રીત હાર્દિક જોબનપુત્રાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવીને અંડર-૧૪ કેટેગરીમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. આ ભવ્ય સફળતા મેળવ્યા બાદ બંને વિજેતા ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામ્યા છે.
ઉલ્લેખનીય છે કે દ્વિતીય ક્રમે વિજેતા બનેલો પ્રીત જોબનપુત્રા સક્સેસ ચેસ એકેડમીના રાષ્ટ્રીય કોચ સંજય દાવડા પાસે તાલીમ મેળવી રહ્યો છે. પ્રીત અગાઉ પણ તાલુકા તેમજ જિલ્લા કક્ષાની ઓપન કચ્છ ચેસ સ્પર્ધાઓમાં વિજેતા બની ચૂક્યો છે. પ્રીતની આ શાનદાર સિદ્ધિ બદલ તેના રાષ્ટ્રીય કોચ સંજય દાવડાએ તેને ખાસ અભિનંદન પાઠવ્યા છે. આ સમગ્ર ચેસ સ્પર્ધાનું સફળ આયોજન અને સંચાલન એઈમ સ્કૂલના રામદેવસિંહ તથા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવીને કરવામાં આવ્યું હતું.
-------

Comments