જમ્મુ આઈઆઈટી : શિક્ષણ, સંશોધન અને નવીનતાના ક્ષેત્રે આગવી ઓળખ
જમ્મુના જગતી ખાતે આવેલ શિક્ષણ સંસ્થાની સ્થાપનાના ૧૦ વર્ષ પૂર્ણ : આધુનિક અને સમયની જરૂરિયાતને અનુરૂપ શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવામાં અગ્રેસર
આઈઆઈટી જમ્મુમાં શૈક્ષણિક ક્ષેત્રની સાથે સંશોધન, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટેકનોલોજીના વ્યવહારુ ઉપયોગ પર પણ વિશેષ ભાર : પ્રો. મનોજ સિંહ ગૌર (સ્થાપક, નિયામક)
જમ્મુ-કચ્છઉદય : (માનવ ભાનુશાલી દ્વારા) જમ્મુ અને કાશ્મીરમાં ૩૭૦ની કલમ દૂર થયા પછી અને વર્તમાન રાષ્ટ્રવાદી સરકાર દિલ્હીમાં આવ્યા પછી અદભુત વિકાસ સાર્વત્રિક રીતે જોવા મળી રહ્યો છે જેમાં આઈઆઈટી જમ્મુ પણ પાછળ નથી જે આ વર્ષે તેની સ્થાપનાના ૧૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ પ્રસંગે આઈઆઈટી જમ્મુના નિયામક પ્રો. મનોજ સિંહ ગૌરે ખાસ મુલાકાતમાં સંસ્થાની અત્યાર સુધીની વિકાસયાત્રા, શૈક્ષણિક કાર્યક્રમો, સંશોધન અને આગામી આયોજન અંગે વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ વર્ષે આઈઆઈટી જમ્મુ ૧૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. અમે ૨૦૧૬માં જમ્મુના જગતી ખાતે અમારા કાયમી કેમ્પસથી શરૂઆત કરી હતી, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૪ પર આવેલું છે. આ કેમ્પસ રેલવે સ્ટેશન અને હવાઈમથકથી પણ અનુકૂળ અંતરે આવેલું છે અને દેશના અન્ય ભાગોમાંથી જમ્મુની સારી જોડાણ વ્યવસ્થાનો અમને લાભ મળે છે. પ્રો. મનોજ સિંહ ગૌરે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે આઈઆઈટી જમ્મુ સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. સંસ્થામાં ઉત્કૃષ્ટ સંશોધન સુવિધાઓ સાથે આધુનિક અને સમયની જરૂરિયાતને અનુરૂપ શૈક્ષણિક કાર્યક્રમો વિકસાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સંશોધનના પરિણામોને વ્યવહારુ ઉપયોગ સુધી પહોંચાડવા માટે અનેક પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત વિવિધ શ્રેષ્ઠતા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યારે ‘એકરૂપ ઇજનેરી’ નામનો અનોખો અને પોતાના પ્રકારનો શૈક્ષણિક કાર્યક્રમ પણ આઈઆઈટી જમ્મુની વિશિષ્ટ ઓળખ બની રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આઈઆઈટી જમ્મુએ વર્તણૂકીય વિજ્ઞાન અને આગાહી આધારિત વિશ્લેષણ ક્ષેત્રમાં પણ નવો આંતરવિષયક કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ માનવીય વર્તનના અભ્યાસને માહિતી વિજ્ઞાન, આંકડાશાસ્ત્ર અને આગાહી આધારિત પદ્ધતિઓ જેવી આધુનિક ટેકનોલોજી સાથે જોડે છે. આઈઆઈટી જમ્મુની ઉપલબ્ધ માહિતી મુજબ આ કાર્યક્રમ વર્ષ ૨૦૨૫માં શરૂ કરવામાં આવ્યો હતો. આઈઆઈટી જમ્મુની સ્થાપના વર્ષ ૨૦૧૬માં થઈ હતી. સંસ્થાના પ્રથમ બેચમાં ૮૨ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો અને શરૂઆતમાં કામગીરી પાલૌરા ખાતેના અસ્થાયી કેમ્પસમાંથી શરૂ થઈ હતી. ત્યારબાદ ઓગસ્ટ ૨૦૧૭થી જગતી ખાતેના કાયમી કેમ્પસમાં કામગીરી શરૂ થઈ હતી. સંસ્થાની માહિતી મુજબ જગતી કેમ્પસ આશરે ૪૦૦ એકરમાં ફેલાયેલો છે અને શિવાલિક પર્વતમાળાની તળેટીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૪ નજીક આવેલો છે. આઈઆઈટી જમ્મુના નિયામક તરીકે પ્રો. મનોજ સિંહ ગૌર સંસ્થાના સ્થાપક નિયામક છે. તેઓ જૂન ૨૦૧૭થી આઈઆઈટી જમ્મુનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ કમ્પ્યુટર વિજ્ઞાન અને ઇજનેરી વિભાગમાં પ્રોફેસર તરીકે પણ કાર્યરત છે. આઈઆઈટી જમ્મુમાં શૈક્ષણિક ક્ષેત્રની સાથે સંશોધન, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ટેકનોલોજીના વ્યવહારુ ઉપયોગ પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સંસ્થામાં વિવિધ શૈક્ષણિક વિભાગો સાથે આધુનિક સંશોધન સુવિધાઓ ઉપલબ્ધ છે. આઈઆઈટી જમ્મુની ૧૦ વર્ષની સફરને શિક્ષણ, સંશોધન, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના વધતા કેન્દ્ર તરીકેની વિકાસયાત્રા તરીકે જોવામાં આવી રહી છે. છેલ્લા એક દાયકામાં શૈક્ષણિક કાર્યક્રમોનો વિસ્તાર, સંશોધન ક્ષમતામાં વધારો અને વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રો. મનોજ સિંહ ગૌરે જણાવ્યું હતું કે આગામી તબક્કામાં પણ આઈઆઈટી જમ્મુનો વિકાસ સતત ચાલુ રહેશે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર થયેલા વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ મુજબ આગામી ત્રણ વર્ષમાં સંસ્થાનો વધુ વિસ્તરણ કરવાનો આયોજન છે. આ વિકાસ સાથે આગામી તબક્કે આઈઆઈટી જમ્મુના કેમ્પસમાં વિદ્યાર્થીઓની સંખ્યા આશરે ૩,૦૦૦ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. માત્ર એક દાયકાના સમયગાળામાં આઈઆઈટી જમ્મુએ પ્રારંભિક તબક્કાથી આગળ વધીને શિક્ષણ, સંશોધન અને નવીનતાના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. આગામી વર્ષોમાં વધુ વિદ્યાર્થીઓ, નવા શૈક્ષણિક કાર્યક્રમો, સંશોધન અને ઉદ્યોગ સાથેના સહયોગ દ્વારા આઈઆઈટી જમ્મુને રાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત સંસ્થા બનાવવાનો માર્ગ તૈયાર થઈ રહ્યો છે.
---------
અહીં ભણવાનો અનુભવ ખાસ છે : યશસ્મ માથુર
જમ્મુ નું નામ પડે એટલે સૌથી પહેલા તો સલામતીનો પ્રશ્ન મનમાં ઉદભવે પરંતુ પરંતુ જમ્મૂમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરી રહેલા પાલનપુરના યશસ્મ માથુરે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર થયું એ દિવસોમાં તેઓ અહીં જ હતા. અહીંના સંચાલકોએ અને સિક્યુરિટીએ જણાવ્યું કે તમારો વાળ પણ વાંકો થવા નહીં દે એટલી લોખંડી ચુસ્ત સુરક્ષા ૨૪ કલાક રહે છે. તેમણે જણાવ્યું કે તેમના જેવા ઘણા બધા ગુજરાતના અને અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અહીં સુરક્ષિત રીતે અભ્યાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે જમ્મુ ઉત્તમ કક્ષાની આઈ.ટી છે અહીંનું વાતાવરણ ખૂબ જ વિશિષ્ટ છે, ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટેનો અત્યંત સારો છે . તેથી ભણવાની વધારે મજા આવે છે.એવું તેમણે ખાસ જણાવ્યું.
---------
છાત્રાઓ માટે સલામતીની સચોટ વ્યવસ્થા : દેવિશા પટેલ
જમ્મુમાં આઇઆઇટીમાં અભ્યાસ કરતા દેવિશા હિતેશભાઈ પટેલ કહે છે કે તેઓ મૂળ અમદાવાદના છે. અહીં અભ્યાસ કરતા ગુજરાતના સિનિયર વિદ્યાર્થીઓ કે જેઓ પહેલેથી જ અહીં અભ્યાસ કરતા હતા તેમની પાસેથી આઇઆઇટી જમ્મુના શિક્ષણ અને વ્યવસ્થાના ખૂબ જ વખાણ સાંભળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અહીં બહુ જ સારી રીતે પૂરતા સાધનો સાથે અભ્યાસક્રમ ભણાવાય છે. પૂરતી સલામતી પણ છે. સંસ્થામાં ભય જેવું નથી એટલે મેં અહીં પ્રવેશ લઈ લીધો અને આજે તો તેમને બે વર્ષ પૂરા થઈ અને ત્રીજું વર્ષ ચાલે છે. તેમણે જણાવ્યું કે લોકોના મનમાં એવું છપાઈ ગયું છે કે જમ્મુમાં સારો માહોલ નથી પરંતુ અહીં અહીંનો માહોલ બહુ જ સારો અને નોર્મલ છે. જરાય ચિંતા જેવું નથી. તેમણે જણાવ્યું કે ક્યારેક હોસ્ટેલમાંથી જમ્મુ નગરમાં પણ જવાનું થાય અને ત્યારે ખબર પડી કે ત્યાંની લોકલ ભાષા ડોગરી છે અને પહેલા હતું કે તે કંઈક અલગ હશે પરંતુ પછી ખબર પડી કે તે તો પંજાબી ભાષા જેવી જ છે અને થોડી ઘણી સમજાઈ પણ જાય છે અને લોકો પણ ખૂબ જ માયાળુ છે. ગુજરાતના પણ અનેક લોકો અહીં અભ્યાસ કરે છે અને જ્યારે ગુજરાતના લોકો ફરવા આવ્યા હોય અને મળી જાય છે ત્યારે તો આનંદ સમાતો નથી. અહીંની પ્રકૃતિ અને વાતાવરણ પણ અદ્દભૂત છે
---------

Comments