માધાપરમાં આધાર-પુરાવા વગરના ૧૨૦૦ કિલો કોપર વાયર સાથે રાજસ્થાનના ૪ શખ્સ ઝડપાયા
પીકઅપ અને મોબાઇલ સહિત રૂ. ૧૧.૦૫ લાખનો મુદ્દામાલ કબજે
ભુજઃ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી આધાર-પુરાવા વગરના આશરે ૧૨૦૦ કિલો કોપરના વાયરોના ગુચડા સાથે રાજસ્થાનના ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કોપરના વાયર, મહિન્દ્રા પીકઅપ ગાડી અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૧૧.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મહિન્દ્રા કંપનીની પીકઅપ ગાડી નં. જીજે-૦૯-એયુ-૬૨૦૯ની તપાસ કરતાં તેમાં કોપરના વાયરોના ગુચડા મળી આવ્યા હતા. આ કોપરના વાયરો અંગે શખ્સો પાસે જરૂરી આધાર-પુરાવા માંગવામાં આવતા તેઓ કોઈ સંતોષકારક પુરાવા રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે ચારેય શખ્સોને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં આશરે ૧૨૦૦ કિલો વજનના કોપરના વાયરોના ગુચડા, જેની કિંમત આશરે રૂ. ૬ લાખ, મહિન્દ્રા કંપનીની પીકઅપ ગાડી કિંમત રૂ. ૫ લાખ તથા એક મોબાઇલ ફોન, કિંમત રૂ. ૫ હજાર મળી કુલ રૂ. ૧૧.૦૫ લાખનો મુદ્દામાલ સામેલ છે. આ કાર્યવાહીમાં પ્રભુરામ પ્રહલાદરામ જાટ (સાઈ), રહે. રતેઉ, તા. ગીડા, જિ. બાડમેર, રાજસ્થાન, આઇદાનરામ ખિયારામ જાટ (સારણ), રહે. ગોરસિયા કા તલા, કશ્મીર, તા. શિવ, જિ. બાડમેર, રાજસ્થાન, સતારામ પુનમારામ જાટ (બાંગર્વા), રહે. ખારીયાતલા, ભાડકા, તા. તથા જિ. બાડમેર, રાજસ્થાન તથા બાબુલાલ ગોમારામ જાટ (ગોદારા), રહે. તાજોણીયા કી ઢાણી, ખારીયાતલા, તા. તથા જિ. બાડમેર, રાજસ્થાનને ઝડપી પાડવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી એએસઆઈ સુરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ સોલંકી તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા અને વિક્રમસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે કોપરના વાયરો ક્યાંથી મેળવવામાં આવ્યા હતા અને તેને ક્યાં લઈ જવામાં આવી રહ્યા હતા તે સહિતની બાબતો અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Comments