Trending News
શિક્ષણ સમાચાર

કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર

21 July



ભુજ - કચ્છઉદય : દક્ષિણ એશિયાઈ પુરાતત્વ અને ભૌગોલિક પર્યાવરણીય સંશોધન ક્ષેત્રે એક અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ સર કરતા, ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ભુજ, ગુજરાત અને યુનાઇટેડ કિંગડમ સ્થિત વિશ્વપ્રસિદ્ધ ધ ચાન્સેલર, માસ્ટર્સ એન્ડ સ્કોલર્સ ઓફ ધ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ વચ્ચે આ વર્ષની શરૂઆતમાં એક શૈક્ષણિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક આંતરરાષ્ટ્રીય ભાગીદારી હેઠળ "એક્સકેવેશન્સ એટ ધોળાવીરા એન્ડ એસોસિએટેડ હડપ્પન સાઇટ્‌સ ઇન ગુજરાતઃ ઇન્વેસ્ટિગેટીંગ પેલિયો-એન્વાયરનમેન્ટ્‌સ, સી લેવલ્સ એન્ડ અર્લી સીફેરિંગ ટ્રેડિશન્સ" શીર્ષક હેઠળ ત્રણ વર્ષનો સંયુક્ત સંશોધન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. 
પ્રોજેક્ટનું નેતૃત્વ કચ્છ યુનિવર્સિટીના જિયોસાયન્સ, પુરાતત્વ, સંશોધન અને વિકાસ વિભાગના વડા ડૉ. ગૌરવ ડી. ચૌહાણ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ આર્કિઓલોજીના ડી.ફિલ સંશોધક અજય યાદવ દ્વારા પ્રોફેસર ડેમિયન રોબિન્સનના માર્ગદર્શન હેઠળ સંયુક્ત રીતે કરવામાં આવશે. આ વ્યાપક એમઓયુ પુરાતત્વીય ક્ષેત્ર સંશોધન, ભૂ-પુરાતત્વીય તપાસ, પ્રાચીન પર્યાવરણીય અભ્યાસ, જીઆઈએસ-આધારિત દસ્તાવેજીકરણ, માટીના વાસણોની ઉત્તપત્તિનું પૃથક્કરણ (પોટરી પ્રોવેનન્સ એનાલિસિસ), બાયોમોલેક્યુલર સંશોધન, શૈક્ષણિક આપ-લે અને સંયુક્ત વૈજ્ઞાનિક પ્રકાશન માટેનું એક મજબૂત માળખું પૂરું પાડે છે.
હડપ્પન સંસ્કૃતિ તેની ઉત્કૃષ્ટ નગરરચના, હસ્તકળા અને જમીન માર્ગના વેપાર માટે વૈશ્વિક સ્તરે જાણીતી છે, પરંતુ દરિયાઈ માર્ગો સાથે તેનો સીધો સંબંધ કેવો હતો તે આજે પણ ઇતિહાસકારો માટે એક અણઉકેલાયેલો કોયડો છે. રણ, બન્ની અને દરિયાથી ઘેરાયેલા કચ્છના ‘બેટ’ વિસ્તારમાં આવેલા હડપ્પન વસવાટોએ લાંબા સમય સુધી સમૃદ્ધ શહેરી વસ્તીને કેવી રીતે સસ્ટેન કરી તે સમજવું અત્યંત રસપ્રદ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ સિદ્ધાંતને વૈજ્ઞાનિક રીતે ચકાસવાનો છે કે આ સ્થળો પ્રાચીન ખાડીઓ કે જળમાર્ગો પર સ્થિત હતા, જે પ્રાદેશિક અને દૂરના દરિયાઈ વેપારના મુખ્ય કેન્દ્રો તરીકે કાર્યરત હતા. આ ઉપરાંત, આ અભ્યાસ મિડ-હોલોસીન યુગ (લગભગ ૮,૦૦૦ વર્ષ પહેલાં)થી લઈને હડપ્પન સમયગાળા પછી માનવજીવનમાં આવેલા અનુકૂલન, આબોહવા પરિવર્તન, ભૂકંપીય (ટેક્ટોનિક) ફેરફારો અને દરિયાની સપાટીમાં થયેલા ફેરફારોને સમજવામાં મદદ કરશે. આ માટે તાજેતરમાં પશ્ચિમ થાર અને ગ્રેટ રન ઓફ કચ્છ વિસ્તારમાં પ્રાથમિક ફીલ્ડવર્ક પૂર્ણ કરી ક્ષેત્રિય સંશોધનની રૂપરેખા પણ તૈયાર કરી લેવામાં આવી છે.
સંશોધનને સફળ બનાવવા માટે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે. સંશોધકો દ્વારા હાઈ-પ્રિસીઝન જીપીએસ, ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર સર્વે અને ડ્રોન ફોટોગ્રામેટ્રી વડે સ્પેશિયલ મેપિંગ કરવામાં આવશે, જ્યારે પ્રાચીન ડીએનએ પૃથક્કરણ, સોઇલ માઇક્રોમોર્ફોલોજી, જીઓકેમિસ્ટ્રી તેમજ ઓપ્ટીકલી સ્ટીમ્યુલેટેડ લ્યુમિનેસન્સ અને થર્મોલ્યુમિનેસન્સ ડેટિંગ પદ્ધતિ દ્વારા પ્રાચીન જળસ્તર અને કાંપનું કાળક્રમિક પૃથક્કરણ કરાશે. ‘બ્લેક-સ્લિપ્ડ જાર્સ’ જેવા માટીના વાસણો પર આઇસોટોપિક અને પેટ્રોગ્રાફિક અભ્યાસ કરીને ગુજરાત, સિંધુ પ્રદેશ અને અરબ દ્વીપકલ્પ વચ્ચેના દરિયાઈ વેપારી માર્ગો શોધાશે, તેમજ સ્થાનિક લોકસ્મૃતિઓ અને ગામડાઓના પ્રાચીન ક્ષેત્રીય નામોનો ઉપયોગ કરીને જૂની કિનારેખાની ઓળખ કરવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ કડક સંસ્થાકીય નિયમો હેઠળ સંચાલિત થશે, જેમાં સંશોધનમાંથી પ્રાપ્ત તમામ ડેટા અને રિપોર્ટ્‌સ બંને યુનિવર્સિટીઓની સંયુક્ત માલિકીના રહેશે, જ્યારે ઉત્ખનનમાંથી મળેલા તમામ પ્રાચીન અવશેષો અને કલાકૃતિઓ કચ્છ યુનિવર્સિટી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની સત્તાવાર કસ્ટડીમાં જ રહેશે. આ પ્રોજેક્ટથી બંને યુનિવર્સિટીના અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને ઉભરતા સંશોધકોને વૈશ્વિક કક્ષાનું ક્ષેત્રીય તાલીમ પ્લેટફોર્મ મળશે અને કચ્છ યુનિવર્સિટી પ્રાદેશિક સંશોધન કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનશે. વ્યાપક બજેટ ધરાવતા આ પ્રોજેક્ટને રિવરલેન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (ગુડગાંવ) અને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (ગાંધીધામ) દ્વારા પ્રારંભિક નાણાકીય સહયોગ મળ્યો છે, ઉપરાંત અન્ય સરકારી તથા જાહેર ફંડિંગ ચેનલોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ સંશોધનમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અહમદાબાદ, ડેક્કન કૉલેજ પુણે, મદ્રાસ અને દેશના અગ્રણી આઈઆઈટી અને પુરાતત્વીય સંસ્થાનો સહયોગ આપી રહ્યા છે, જ્યારે ભવિષ્યમાં અન્ય રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ જોડવામાં આવશે.
-----

Comments

COMMENT / REPLY FROM