શાળા સલામતી માત્ર કાર્યક્રમ નથી, પરંતુ જીવન બચાવતી જાગૃતિનું અભિયાન છે
ભુજ ઇંગ્લિશ સ્કૂલ ખાતે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી અને ૧૦૮ ઇમરજન્સી સેવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદયઃ "સુરક્ષિત વિદ્યાર્થી - સુરક્ષિત શાળા - સુરક્ષિત સમાજ"ના ઉદ્દેશ્યને સાકાર કરતાં અજરામર ટ્રસ્ટ સંચાલિત ભુજ ઇંગ્લિશ સ્કૂલ, હોસ્પિટલ રોડ, ભુજ ખાતે શાળા સલામતી સપ્તાહ -૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત ભુજ નગરપાલિકા ફાયર વિભાગ તથા જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજ- ૧૦૮ ઇમરજન્સી સેવા ટીમના સંયુક્ત ઉપક્રમે આપત્તિ વ્યવસ્થાપન, ફાયર સેફ્ટી અને ૧૦૮ ઇમરજન્સી સેવા જાગૃતિ કાર્યક્રમ તેમજ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં આપત્તિ સમયે ગભરાયા વગર યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા, સલામતી પ્રત્યેની જાગૃતિ તથા જીવનરક્ષક કૌશલ્યાનો વિકાસ કરવાનો હતો. કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા ફાયર વિભાગના મુખ્ય ફાયર ઓફિસર સચિન પરમાર, ડીસીપીઓ મોહમ્મદભાઈ, ફાયર ફાઇટર ઇમ્તિયાઝ સમા, રુદ્ર જોશી તથા ટ્રેનિંગ સ્ટાફ દ્વારા આગ લાગવાના મુખ્ય કારણો, આગના વિવિધ પ્રકારો, આગ બુઝાવવાની પદ્ધતિઓ તેમજ વોટર, ફોમ, સીઓર અને ક્લીન એજન્ટ જેવા વિવિધ પ્રકારના ફાયર એક્સ્ટિંગ્યુશરની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
નિષ્ણાતોએ પાસ્ટ ટેકનિકના આધારે ફાયર એક્સ્ટિંગ્યુશરનો સુરક્ષિત અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તેની લાઈવ મોકડ્રિલ દ્વારા તાલીમ આપી હતી. આગ લાગવાની પરિસ્થિતિમાં શાંતિ જાળવવી, ઇલેક્ટ્રિક આગ પર પાણી ન નાખવું, ધુમાડા વચ્ચે સુરક્ષિત રીતે બહાર નીકળવું અને તાત્કાલિક ૧૧૨ અથવા ૧૦૧ પર જાણ કરવાની મહત્વપૂર્ણ બાબતો સમજાવવામાં આવી હતી. ત્યારબાદ ડૉ. ભંવર પ્રજાપતિ, પ્રોગ્રામ ઓફિસર - ૧૦૮ તથાઈએમઈ રાહુલ ગોરના માર્ગદર્શન હેઠળ જી.કે. જનરલ હોસ્પિટલ, ભુજની ૧૦૮ ઇમરજન્સી સેવા ટીમના ઈએમટી શ્રવણ વર્ણ અને પાયલોટ મુકેશ જોષી દ્વારા ૧૦૮ ઇમરજન્સી સેવાની સમગ્ર કામગીરી, અકસ્માત સમયે ‘ગોલ્ડન અવર’નું મહત્વ, પ્રાથમિક સારવાર, દર્દીને સુરક્ષિત રીતે સંભાળવાની પદ્ધતિ તેમજ ૧૦૮ અને ૧૧૨ ઇમરજન્સી સેવાઓનો યોગ્ય અને જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તેની જીવંત રજૂઆત સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ફાયર સેફ્ટી, શોર્ટ સર્કિટથી બચવાના ઉપાયો, માર્ગ અકસ્માત, ઇમરજન્સી પ્રતિભાવ, સીપીઆર, પ્રાથમિક સારવાર, રોડ સેફ્ટી તથા ડાયલ-૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટ અંગે અનેક જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નો પૂછ્યા હતા, જેના નિષ્ણાતોએ સરળ અને વ્યવહારુ જવાબો આપી સૌને જાગૃત કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો કે ઇમરજન્સી નંબર માત્ર જરૂરિયાતના સમયે જ ઉપયોગમાં લેવો જોઈએ. સમયસર આપવામાં આવેલી સાચી માહિતી અને યોગ્ય નિર્ણય કોઈ વ્યક્તિનું અમૂલ્ય જીવન બચાવી શકે છે. શાળાના આચાર્યા ચેતનાબેન એન. રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું સંકલન કોઓર્ડિનેટર એમ. આઈ. બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સફળતામાં સાજીદભાઈ ખોજા, સમગ્ર શિક્ષકમંડળ, સ્ટાફ તથા ટ્રસ્ટીઓએ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.
-----

Comments