Trending News
શિક્ષણ સમાચાર

વાયોર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભારે ઘટ 

09 July


૪૦ ગામોના કેન્દ્ર સમાન શાળા માત્ર એક જ શિક્ષિકાના ભરોસે :  ગ્રામજનો દ્વારા તાળાબંધીની ચીમકી

નલિયા - કચ્છઉદય : અબડાસા તાલુકાના ગરડા પંથકના મુખ્ય મથક એવા વાયોર ગામની ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. વાયોરની આસપાસ આવેલા ઉકીર, વાગોઠ, ફુલાય, ભોવા, વાગાપધર, સારાવાના, વલસરા, ચરોપડી મોટી-નાની, બેર મોટી-નાની, અકરી મોટી, થુમડી, નવાવાસ, વાલાવારીવાઢ, ખારઈ, પખો, કરમટા, પધરવાડી, મોહાડી, ભારાવાઢ, સુખપર, છસરા, ઐડા, જગડીયા, કોષા અને કેરવાઢ સહિતના આશરે ૪૦ જેટલા ગામોના વિદ્યાર્થીઓ માટે આ શાળા એકમાત્ર મુખ્ય કેન્દ્ર છે. શાળામાં ધોરણ ૧૧ અને ૧૨માં આશરે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં કુલ ૫ શિક્ષકોનું મંજૂર થયેલું મહેકમ હોવા છતાં, હાલમાં માત્ર એક જ શિક્ષિકા બહેન આખી શાળાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. શાળાના અન્ય એક શિક્ષકને બુટા ગામે ડેપ્યુટેશન એટલે કે વ્યવસ્થાના ભાગરૂપે મોકલી દેવાતા અહીં શિક્ષણ વ્યવસ્થા સાવ ખોરવાઈ ગઈ છે.
આ ગંભીર સમસ્યા અંગે વાયોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પ્રભાતસિંહ સતુભા જાડેજા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારી, અબડાસાના ધારાસભ્ય તેમજ ઉચ્ચ વહીવટી અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ નક્કર નિરાકરણ લાવવામાં આવ્યું નથી. તંત્રની આ ઘોર ઉપેક્ષા સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અકરી મોટી ગામના પૂર્વ સરપંચ અને કરમટા ગામના અગ્રણી રાજાભાઈ રબારીએ ઉગ્ર રોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવીને શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે, તો આ વિસ્તારના વાલીઓ અને વિદ્યાર્થીઓ ભેગા મળીને શાળાને તાળાબંધી કરશે. આ આંદોલનની સંપૂર્ણ જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી, સ્થાનિક રાજકીય નેતાઓ, ધારાસભ્ય અને વહીવટી તંત્રની રહેશે.
બીજી તરફ, વાયોર અને તેની આસપાસના વિસ્તારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, નિરમા સિમેન્ટ, અદાણી સિમેન્ટ અને સુઝલોન પવનચક્કી જેવા મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. આ કંપનીઓએ અહીં પાણીના ભાવે જમીનો મેળવીને પોતાનો ઉદ્યોગિક વિકાસ ખૂબ ઝડપથી કર્યો છે, પરંતુ સ્થાનિક સ્તરે સામાજિક જવાબદારી નિભાવવામાં તેઓ સાવ નિષ્ફળ નીવડ્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓએ આક્ષેપ કર્યો છે કે આટલી મોટી કંપનીઓ કાર્યરત હોવા છતાં આ વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રે ઉદ્યોગોની કામગીરી તદ્દન નબળી છે. બિલકુલ નજીક આવેલી અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા પણ શિક્ષણ ક્ષેત્રે કોઈ જ સહયોગ મળતો નથી. સ્થાનિક ઉદ્યોગોની એ નૈતિક જવાબદારી બને છે કે તેઓ આસપાસના ગામોમાં રોજગાર, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ વિકસાવવામાં મદદ કરે, પરંતુ કંપનીઓ પોતાની આ જવાબદારીઓમાંથી છટકબારી શોધી રહી છે. ગ્રામજનોએ છેલ્લી ચેતવણી આપતા માગ કરી છે કે યુદ્ધના ધોરણે વાયોરની હાઈસ્કૂલમાં ઘટતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે, અન્યથા કોઈપણ સમયે શાળા બંધ કરાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
-------- 

Comments

COMMENT / REPLY FROM