Trending News
સ્થાનિક સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની અવગણનાથી મતદારોમાં રોષ

25 April

પ્રચારમાં ન બોલાવવા ઉમેદવારોને અપાઈ હતી મૌખિક સૂચના : રતનાલ ગામની જાહેર સભામાં જ આમંત્રણ ન અપાયું અને પોસ્ટરમાંથી પણ ફોટો-નામ ગાયબ રહેતા અંજાર શહેર-તાલુકા ભાજપમાં આંતરિક વિખવાદ આવ્યો સપાટીએ

 
અંજાર - કચ્છઊસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ ગઈકાલે શુક્રવારે સાંજે ૫ વાગ્યે શાંત થઈ ગયા છે અને હવે આવતીકાલે રવિવારે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપ દ્વારા પક્ષના એક અનુભવી અને કદાવર નેતા તથા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને નજરઅંદાજ કરવામાં આવ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. રતનાલ ગામના સરપંચથી માંડીને ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા વાસણભાઈને અંજાર શહેર અને તાલુકાના પ્રચાર કાર્યોમાં ક્યાંય બોલાવવામાં આવ્યા નથી. એટલું જ નહીં પરંતુ પક્ષના ઉમેદવારોને એવી કડક મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી કે જો પ્રચાર દરમિયાન વાસણભાઈને બોલાવવામાં આવશે તો ભવિષ્યમાં સારા હોદ્દાની આશા રાખવી નહીં. આવી આંતરિક ચેતવણીને પગલે ખુદ ઉમેદવારો અને તેમના સમર્થકો ભારે મુંઝવણમાં મુકાયા હતા.
અંજાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ રાજ્યમંત્રીના જ વતન રતનાલ ખાતે ભાજપ દ્વારા એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ સભાના પોસ્ટરમાંથી પણ વાસણભાઈના ફોટા કે નામની બાદબાકી કરી દેવામાં આવી હતી.
આ સભામાં રાજ્યમંત્રી અને પક્ષના અધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા પરંતુ પક્ષના જ વરિષ્ઠ નેતાને આ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવતા કાર્યકરોમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. શિસ્તબદ્ધ પાર્ટી હોવાના કારણે કોઈ જાહેરમાં બોલી શકતું નથી પરંતુ પક્ષના કેટલાક પાયાના કાર્યકરોમાં આ પ્રકારની બાદબાકીને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા વીસેક દિવસથી ચાલેલા પ્રચારમાં વાસણભાઈની ગેરહાજરી અને તેમને ન બોલાવવાની આંતરિક સૂચનાએ અંજારના રાજકારણમાં નવો વળાંક આપ્યો છે.
વાસણભાઈ આહિરે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક લોકોને પક્ષમાં આગળ વધાર્યા હતા અને સંગઠનમાં મહત્વના હોદ્દા સુધી પહોંચાડ્યા હતા. આજે એ જ લોકો તેમને નજરઅંદાજ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો અંજાર શહેર કે તાલુકામાં ભાજપને ઓછી બેઠકો મળશે તો તેનો દોષનો ટોપલો વાસણભાઈ પર ઢોળવામાં આવી શકે છે. હાલમાં તો પ્રચાર પૂર્ણ થઈ ગયો છે અને આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આંતરિક ખેંચતાણ અને પૂર્વ મંત્રીની આ પ્રકારે થયેલી અવગણના કોના ઈશારે કરવામાં આવી છે તે પ્રશ્ન કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Comments

COMMENT / REPLY FROM