Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ચૂંટણીના નામે સરકારી કચેરીઓમાં ગુલ્લીબાજો સક્રીય 

20 April



સાહેબ ‘ચૂંટણી’માં છે કહીને અરજદારોને ઉંધા ચશ્મા પહેરાવાનો નવો ટ્રેન્ડ, ખરેખર ફરજ પર કોણ ? કલેક્ટરે જાહેરનામું બહાર પાડવું જોઇએ


એવા કર્મચારીઓ પણ છે જેને જમવાનો સમય નથી મળતો બીજા કેટલાક અધિકારી-કર્મચારીઓ તો ચૂંટણીના નામે ‘મજા’ લઈ રહ્યા છે ! :  લોકોની હાલાકીનો ભોગ સત્તા પક્ષને ભોગવવો પડે છે



ભુજ - કચ્છ ઉદય : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે સરકારી કચેરીઓમાં ચૂંટણી ફરજના નામે ગુલ્લીબાજો સક્રિય બન્યા છે. દૂર-દૂરના ગામડાઓમાંથી ભાડું ખર્ચીને આવતા ગરીબ અરજદારો જ્યારે કચેરીએ પહોંચે છે ત્યારે તેમને એક જ તૈયાર જવાબ મળે છે, સાહેબ ચૂંટણીમાં વ્યસ્ત છે, ચૂંટણી પછી આવજો. આ બહાના હેઠળ અનેક મહત્વના કામો હાલ અભેરાઈએ ચડાવી દેવામાં આવ્યા છે. 
ચૂંટણી પ્રક્રિયામાં પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અને ચૂંટણી શાખાના કર્મચારીઓ સહિત અમુક સરકારી તંત્ર ખરેખર દિવસ-રાત એક કરી રહ્યા છે. અનેક શિક્ષકો અને સરકારી કર્મચારીઓ એવા છે જેમને જમવાનો કે ઘરે જવાનો પણ સમય નથી મળતો. પરંતુ, આ વહેતી ગંગામાં એવો વર્ગ પણ છે જેઓ ચૂંટણી ફરજમાં નથી, છતાં ચૂંટણીનું નામ આપીને પોતાની સીટ પરથી ગાયબ રહે છે અથવા કામ કરવાનું ટાળે છે. 
અરજદારોનો આક્ષેપ છે કે આરટીઓ, ખાણ-ખનીજ, આરોગ્ય અને શિક્ષણ, બહુમાળી ભવન, ફોરેસ્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ ખાતુ, પાણી પુરવઠા બોર્ડ સહિતના વિભાગોમાં જ્યારે કોઈ કામ માટે જવાય છે ત્યારે નીચેનો સ્ટાફ સાહેબો હાજર ન હોવાનું જણાવી અરજદારોને રવાના કરી દે છે. હાલ ચુંટણી દરમ્યાન તેઓના અધિકારીઓને થોડી કાંઈ જવાબદારી હશે પરંતુ તે બધી મતદાન અને મત ગણત્રી દરમ્યાન વધુ હશે, પરંતુ હાલ અમુક સરકારી કચેરીઓમાં ચુંટણીના નામના બ્યુગલ વગાડી દેવામાં આવે છે. જેના કારણે અરજણદારોને હાલાકી બેગવી પડે છે. 
કચ્છના અંતરિયાળ વિસ્તારો જેવા કે લખપત, રાપર કે ખાવડાથી આવતા લોકો જ્યારે માંડ-માંડ કચેરીએ પહોંચે અને તેમને ધક્કો પડે છે ખરેખર તેમની વેદના કોણ સાંભળશે ? તે સવાલ ઉઠી રહ્યો છે. હાલની પરિસ્થિતિ જોતા જાગૃત નાગરિકોની માંગ છે કે કલેક્ટરે એવું જાહેરનામું બહાર પાડવું જોઈએ જેમાં સ્પષ્ટ હોય કે કયા અધિકારી કે કર્મચારીની કયા પ્રકારની ચૂંટણી ડ્યુટી છે. જે વિભાગના માણસો ચૂંટણીમાં નથી, તેઓએ ફરજિયાત હાજર 
રહી પ્રજાના કામો કરવા જ પડશે  કચેરીના નોટિસ બોર્ડ પર હાજર અને ગેરહાજર સ્ટાફની વિગતો મૂકવામાં આવે તો જ લોકોને ફાયદો થઈ શકશે. ચૂંટણી લોકશાહીનો ઉત્સવ છે, પણ તે સામાન્ય જનતા માટે મુસીબત ન બનવો જોઈએ. જે અધિકારીઓ ખરેખર મેદાનમાં પરસેવો પાડી રહ્યા છે તેમને સલામ છે, પણ જેઓ માત્ર ચૂંટણીના ઓઠે જવાબદારીથી ભાગી રહ્યા છે, તેમના પર કડક તવાઈ આવવી જોઈએ.


.........


ચૂંટણીની આડમાં વચેટિયાઓ સક્રિય, ભ્રષ્ટાચારને મોકળું મેદાન ? 
 

ઘણી જગ્યાએ એવું પણ જોવા મળી રહ્યું છે કે સાહેબ ચુંટણીમાં વ્યસ્ત છે કહીને વચેટિયાઓ સક્રિય થઈ ગયા છે. લોકોના તાત્કાલિક કામો કરાવવા માટે ચૂંટણીના નામે વધારાના નાણાં ખંખેરવામાં આવતા હોવાની પણ ચર્ચાઓ છે. જો આ જ રીતે ચાલતું રહ્યું તો સામાન્ય માણસનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે. 

........

 

Comments

COMMENT / REPLY FROM