વાગડ પંથકના મતદારોને રીઝવવા રાજકીય પક્ષો માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ
જિલ્લા પંચાયતમાં એક પણ પટેલ ઉમેદવારને ટિકીટ ન ફાળવાતા ભારે નારાજગી : ચૂંટણી પ્રચારમાં ઉમેદવારો સાથે નેતાઓના જ ધાડેધાડા.. મતદારો અદ્રશ્ય
ગાંધીધામ - કચ્છઉદય : વાગડ પંથકના રાજકારણમાં અત્યારે જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, તે લોકશાહીના નામે માત્ર એક વરવું પ્રદર્શન બનીને રહી ગયું હોય તેમ લાગે છે. સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ નહીં, પરંતુ સત્તાની લાલસાનો એક એવો અખાડો બની ગઈ છે જ્યાં જનતાના પ્રશ્નો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. વાગડના મતદારોના મનમાં શું છે તે જાણવું હાલમાં અશક્ય છે, પણ આ અસ્પષ્ટતા કોઈ ‘રાજકીય વ્યુહરચના’ નથી, પરંતુ રાજકીય પક્ષો પ્રત્યેનો પ્રચંડ અસંતોષ અને તિરસ્કાર છે. ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીનું ભવિષ્ય નક્કી કરનારી આ ચૂંટણીમાં મતદારોને રીઝવવા એ હવે
પક્ષો માટે માત્ર માથાનો દુખાવો જ નહીં, પણ ગળાનું હાડકું બની ગયું છે.આવતીકાલે અખાત્રીજ હોવાથી મુંબઈ અને અન્ય મહાનગરોમાંથી વાગડના વતની એવા પટેલ મતદારોના ટોળાં ઉતરી પડ્યા છે. પરંતુ આ આગમન કોઈ ઉત્સવ નથી, બલ્કે રાજકીય પક્ષો માટે ભયનો ઘંટ છે. જે રીતે જિલ્લા પંચાયતની બેઠકોમાં વાગડમાંથી એક પણ પટેલ ઉમેદવારને ટિકિટ ન આપીને આખા સમાજની અવગણના કરાઈ છે, તેનાથી લોકોમાં ભારે રોષ અને નકારાત્મકતા ફેલાઈ છે. આ એ જ પટેલ સમાજ છે જે વિધાનસભાની જીત-હાર નક્કી કરવાની તાકાત રાખે છે. સામાન્ય રીતે આ સમાજ વિધાનસભામાં કોંગ્રેસ તરફી ઝુકાવ રાખતો હોય છે.ચૂંટણી પ્રચારની સ્થિતિ તો અત્યંત દયાજનક છે. રસ્તાઓ પર મતદારો શોધ્યા જડતા નથી, માત્ર ઉમેદવારો અને પક્ષના નેતાઓ જ પોતાની ગાડીઓના કાફલા સાથે ધૂળ ઉડાડતા જોવા મળે છે. જનતાનો આ પક્ષપાતી રાજકારણથી મોહભંગ થઈ ગયો છે. વાગડની ૨૪ તાલુકા પંચાયત અને ૫ જિલ્લા પંચાયતની બેઠકો પર એક પણ બેઠક બિનહરીફ ન થવી તે તંદુરસ્ત લોકશાહીનું લક્ષણ નથી, પરંતુ રાજકીય પક્ષો વચ્ચેની વેરઝેરની પરાકાષ્ઠા છે. દરેક પક્ષ બીજાને પછાડવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી રહ્યો છે, જેમાં વિકાસના મુદ્દાઓ ક્યાંય ખોવાઈ ગયા છે.ખાસ કરીને આધોઈની વાત કરીએ તો, ગત વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપના મતોમાં ગાબડાં
પડ્યાં હતાં. આ વખતે પણ સ્થિતિ સુધરવાને બદલે વણસી રહી હોય તેમ જણાય છે. સત્તાધારી પક્ષ પાસે આ ‘ગાબડાં’ પૂરવા માટે કોઈ નક્કર યોજના નથી, માત્ર પોલા વચનો અને જૂની વાતોનું ભાથું છે. પ્રજા હવે આ રાજકીય નાટકોથી કંટાળી ગઈ છે. મતદારોની આ મૌન નારાજગી બંને પક્ષો માટે ખતરાની નિશાની છે. વાગડ પંથકમાં અત્યારે જે નકારાત્મકતાનો જુવાળ છે, તે જોતા લાગે છે કે ૨૦૨૭નું પરિણામ અત્યારથી જ પક્ષો માટે કાળી ટીલી સમાન સાબિત થશે. રાજકારણીઓ ભલે રસ્તાઓ માપી રહ્યા હોય, પણ જનતાએ તેમના માટે દરવાજા બંધ કરી દીધા છે તે કડવું સત્ય પક્ષો પચાવી શકતા નથી. આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાની હોડ નથી, પણ વાગડના રાજકારણના પતનનું જીવતું જાગતું ઉદાહરણ બની રહી છે.

Comments