પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ : ખાણ ખનીજ કચેરીના સિક્યુરીટીગાર્ડ પર કર્યો હુમલો
ગળપાદર હાઈવે પર ચેકિંગ દરમિયાન રોયલટી કરતા વધુ ખનીજ જણાઈ આવતા ડમ્પર વજન કરવા લઈ જતા માલિકે આવી કર્યો હુમલો : ડમ્પર ભગાડી જવાયું બાદમાં લીઝ પર પહોંચેલી ટીમ સમક્ષ ખાલી ડમ્પર રજૂ પણ થયું : ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ, ખનીજ ચોરી અંગે સર્વે કરાયો
ભુજ : પૂર્વ કચ્છમાં ખનીજ ચોરો બેફામ બન્યા હોય તેમ ગળપાદર હાઈવે પર ચેકિંગમાં રહેલી ટીમના સિક્યુરીટીગાર્ડ પર જીવલેણ હુમલો કરી ડમ્પર ભગાડી જવામાં આવ્યું હતું જે અંગે ફરિયાદ દાખલ થઈ છે.
અંજારની ખાણ-ખનીજ કચેરીએ માઈન્સ સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મૂળ સૂરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના હાલે અંજારમાં રહેતા દિલીપ મનસુખભાઈ લકુમે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ સિક્યુરીગાર્ડ જયપાલસિંહ ગોહિલ સાથે અંજાર-ગળપાદર હાઈવે મેઘપર (બોરીચી) ગામની સીમ પાસે પેટ્રોલ પમ્પની સામે વાહન ચેકિંગ કરતા ત્યારે ડમ્પર નં.જીજે૧૯-એક્સ-ર૦૦૦ ને રોકાવી તપાસ કરતા ડમ્પરમાં બ્લેકટ્રેપ ખનીજ ભરેલું હતું. રોયલટી તપાસતા ડમ્પરમાં વધુ ખનીજ ભરેલું હોવાનું જણાઈ આવતા ગાંધીધામ વજન કરાવવા લઈ જતા હતા ત્યારે કીઆ શો-રૂમ નજીક પહોંચતા ડમ્પર માલીક ફરીદ ફતેહઅલી ખોજા બાઈક પર આવ્યો અને ડમ્પરની સામે બાઈક ઊભું રાખી સરકારી ફરજમાં રૂકાવટ કરી અને આ ડમ્પર સિઝ કરવા નહીં દઉં એમ કહીં સિઝ કર્યું તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી ડ્રાઈવરને નીચે ઉતારી ડમ્પરમાં બેઠેલા સિક્યુરીટી ગાર્ડ પર લોખંડના પાઈપથી હુમલો કરી મુઢ ઈજાઓ પહોંચાડી ડમ્પરને રોડ સાઈડમાં ખાલી કરી ડમ્પર લઈ ભાગી ગયો હતો. જે અંગે ઉપરી અધિકારીને જાણ કરતા તેઓએ જે સ્થળેથી ડમ્પરમાં માલ ભરાયો ત્યાં તપાસ કરવા આદેશ આપતા રોયલટી ઈન્સ્પેક્ટર ઈન્દુભા ઝાલા, સર્વેયર આશિષ સોજીત્રા સાથે અંજારમાં આવેલ પરેશ છોટાલાલ ઠક્કરની લીઝ પર તપાસ કરતા ખાલી ડમ્પર મળી આવ્યું હતું. જેથી ડમ્પરને સિઝ કરવામાં આવ્યું, રોયલ્ટી પાસ કરતા ખનીજની ચોરી કરી વધુ ખનીજ વહન કરતા મેમો આપવામાં આવ્યો છે. લીઝની માપણી કરવામાં આવી છે જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ડમ્પર માલિકે કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી સિક્યુરીટીગાર્ડ પર હુમલો કરી ડમ્પર લઈ જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Comments