કચ્છમાં ટીબીના ૧પ૦૦ થી વધુ દર્દીઓની ચિંતામાં વધારો
રાજયના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ ઉપલીકક્ષાએથી દવાનું વિતરણ ઠપ્પ થતા નિયમિત દવા લેનારા દર્દીઓના કેન્દ્રએ પૂછપરછના ધરમધકકા
ભુજ : કચ્છ જિલ્લામાં રાજય સરકારના માર્ગદર્શન અન્વયે આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલ કાર્યવાહી અંતર્ગત ટીબીના ૧પપ૦ દર્દીઓ નોંધાયેલા છે. જેઓને સરકારી કેન્દ્રો પરથી નિયમિત લેવાની દવાનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી રાજ્યના અન્ય વિસ્તારોની સાથોસાથ જિલ્લામાં પણ ટીબીની દવાના જથ્થાનું વિતરણ ઠપ્પ થતા દરરોજ દવા લેનાર દર્દીઓ ૫રેશાનભરી સ્થિતિમાં મૂકાયાનું જાણવા મળે છે.
આ અંગેની વિગતો મુજબ ટીબી રોગને જાકારો આપવા, આ રોગના શંકાસ્પદ દર્દીઓને શોધી કાઢવા અને મળી આવેલા દર્દીઓને દવા-સારવારનો પૂરતો ડોઝ સમયસર મળી રહે તે માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે.
આ અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારવાઇઝ વિઝિટ, શંકાસ્પદ દર્દીઓની તબીબી ચકાસણી સહિતની કામગીરી કરી રહ્યું છે. ઉપરાંત ટીબીના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઇને તપાસ કરાવવાનો પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવતો હોય છે. આ તમામ પાસાંઓના પરિણામે ફેલાયેલ જાગૃતતાના ભાગરુપે કચ્છ જિલ્લામાં ટીબીના અંદાજે ૧પપ૦ દર્દીઓ સરકારી ચોપડે નોંધાયેલા છે. આ દર્દીઓને અગાઉ દર સોમ, બુધ અને શુક્રવારે દવા લેવાની હોવા મુજબ, ૧૦ જુદા જુદા પ્રકારની દવાના ડોઝ દર્દીને બિમારીને અનુલક્ષીને આપવામાં આવતા હોય છે. દર્દીઓને દરરોજ દવા લેવાની હોવાથી તે મુજબનો જથ્થો જિલ્લાના તમામ કેન્દ્રોએ રાજયસ્તરેથી મોકલવામાં આવે છે. દરમ્યાન જાણવા મળ્યાનુસાર છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં ટીબી દવાનું વિતરણ કરતા કેન્દ્રોએ રાજયસ્તરેથી દવાનો જથ્થો પહોંચાડવામાં આવ્યો નથી. આ બાબતે ટીબી અધિકારી ડો.મનોજભાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે, ન માત્ર કચ્છ પણ પરંતુ રાજ્યના તમામ વિસ્તારોમાં ટીબીની દવાનો જથ્થો હાલમાં પહોંચી રહ્યો નથી. જો કે, કચ્છમાં હાલ જથ્થો ઉપલબ્ધ હોઈ દર્દીઓને માંગ મુજબ દવા આપવામાં આવી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, રાજ્યસ્તરેથી ટુંક સમયમાં દવાનું સપ્લાય પુનઃ રાબેતા મુજબ થઈ જશે તેવો આશાવાદ પણ વ્યકત કર્યો હતો.
Comments